કડવા પટીદાર સમાજની ખાસિયતો
  કડવા પાટીદાર સમાજ છેકથી ખેતી આધારિત સમાજ છે.
  સમાજના અન્ય સર્વ વર્ગોને સાથે લઇ ચાલનાર સમાજ છે.
  જીભથી કડવો પણ ઉદારદિલ છે.
  પ્રમાણિક, શ્રમજીવી અને કપટરહિત છે.
  ગામડામાં વસતો સમાજ છે.
  કોઇને સાથ આપે તો છેક સુધી નિભાવે છે.
  ભુતકાળમાં સામાન્ય જીવન જીવતો અને બંધુકા વિવાહમાં જ લગ્નો યોજતો સમાજ છે.
  જીવનમાં “ચાલશે અને ફાવશે” નો વિચાર અપનાવી વિકાસના પંથે ચાલી રહયો છે.
  આજના સમયમાં સમુહ લગ્નોનો અભિગમ અપનાવી અન્ય સમાજોને પ્રેરણા આપનાર સમાજ છે.

કડવા પાટીદાર સમાજના જીવન પ્રવાહ સાથે સંકળાયેલી બાબતો

આ સમાજ ખેતી આધારિત હોવાથી નીચેની બાબતો જીવન સાથે વણાયેલી છે.

હળોતરાઃ-
ખેતીની મોસમનું નવું વર્ષ જેઠ સુદ ૨ થી શરૂ થાય છે. વરસાદના વધામણાનો દિવસ એટલે હળોતરા. આ દિવસે દરેક ખેડુત હળ-બળદની પૂજા કરી ખેતરે ખેડ કરવાના શુકન કરે છે. ખેતરે લાપસીનું ભાત ખાય છે. ભતવારીઓ ઘેરથી ગાતા ગાતા ભાત લઇ ખેતરે જાય છે અને ત્યાં સાથે જમે છે. બળદોને પણ સારું ખાણ-દાણ અપાય છે.

અણુ્‍જોઃ-
કેઇ તહેવારે કે મહિનામાં એક વાર ખેતી કામમાં રજા પડાય છે. તે દિવસે કોઇ ખેડૂત બળદના ખાંધે ધુંસરી જોતરતો નથી. માતાજીના મેળાના બે દિવસો વસંત પંચમી અને વેશાખી પૂર્ણિમાએ અણુંજો પડાય છે.

પલ્લીઃ-
આ માતૃકા પૂજા છે. નવરાત્રીમાં બાજોટ પર સાત ધાન રાંધીને પધરાવાય છે. લોટના કોડીયાં બનાવી દીવો કરી વાજતે ગાજતે તળાવની પાળે જઇ ધરાવાય છે અને પ્રસાદ વહેંચાય છે.

ઢુંઢિયાદેવઃ-
વરસાદ ખેંચાય તો માટીના ઢુંઢિયા દેવ બનાવી બહેનો માથે લઇ ગાતી ગાતી ઘેર ઘેર ફરે છે અને ઢુંઢિયા દેવ પર પાણી રેડાય છે.

બંધુકા વિવાહઃ-
ખેતી આધારિત સમાજને લગ્ન માટે પણ ફુરસદ ન હતી. દર બાર વરસે માતાજીમાંથી મુહૂર્ત નીકળે તે દિવસે સમગ્ર સમાજમાં લગ્નો થતા હતા. જેથી બાળ વિવાહ વિશેષ થતા હતા.

સમુહ લગ્નઃ-
બંધુકા વિવાહ સમયના પરિવર્તન, સુધારાવાદીઓનો વિરોધ અને બાળલગ્ન નિષેધના કાયદાથી બંધ થતાં, નવો વિચાર સમુહ લગ્નનો અમલી બન્યો. સમાજમાં ગામે ગામે અનૂકૂળતા પ્રમાણે એક મંડપે સમુહમાં લગ્નો થવા લાગ્યા. આર્થિક ફાયદો પણ થવા લાગ્યો.

ઉજાણીઃ-
કુળદેવીશ્રી ઉમિયા માતાજી - ઊંઝાના વિસ્તારના કડવા પાટીદારોની જીવન પધ્ધતિમાં ઉજાણીનું પણ મહત્વ વિશેષ છે. મોટા ભાગના ગામો ભાદરવા કે આસો માસમાં આ ઉજાણી ઉજવે છે. આખુ ગામ વાજતે ગાજતે ગામ બહાર તળાવ કે નદીના કાંઠે કોઇ મંદિરના સાનિધ્યમાં જઇ આનંદ ઉત્સાહથી રાસ- ગરબા, મંડળીઓની રમઝટથી આખો દિવસ પુરો થાય. કોઇ જગ્યાએ ઘોડા દોડની રેસ પણ થાય – બપોરનો જમણવાર ત્યાં જ રાંધીને સાથે જમવાનું થાય. મંદિરે હોમ હવન થાય. આ રીતે એકધારા જીવન પ્રવાહને આનંદ ઉત્સાહથી નવિનતા મળે અને સૌ તેને માણે. આપણી ભાતીગળ સંસ્કૃતિનું મહાન અંગ બની રહે છે.

જેમ કે મોર પાવોઃ-
જેના ત્યાં દીકરાનો જન્મ થયો હોય તે દીકરાનો જેમ કરવામાં આવે. મહા ફાગણમાં આંબાની મંજરી ખીલે ત્યારે આ દિવસ ઉજવાય. દીકરાને તેની ફોઇ કે બહેન દ્વારા આંબાનો મોર પાવાનો ખાસ પ્રસંગ હોય છે. જેના દીકરાના જેમ હોય તે પોતાના સગાઓને ખાસ કરીને ફોઇ-દીકરીઓને, મામા-માસીઓને તેડાવે અને ગીતો ગવાયને પ્રસંગ ઉજવાય.

દીકરાના ગરબાઃ-
જે ઘેર પ્રથમ દીકરાનો જન્મ થાય, તેનો ગરબો કાઢવાનો રિવાજ પ્રચલિત છે. હાલ પણ ચાલુ જ છે. નવરાત્રીમાં માતાજીનો ગરબો કાઢવાનો રિવાજ છે. માટીનો, પિત્તળનો કે કોઇ ચાંદીનો માતાનો ગરબો કોરાવવામાં આવે અને રાત્રે તે ગરબો દીકરાની માતા, બહેનો, ફોઇઓ માતાજીના ચોકમાં ધુમાવે.તે માટે ખાસ સગા સંબંધીઓને તેડાવવામાં આવે અને ઉજવણી થાય.

માતાજીની જાતરઃ-
જે ઘેર પારણું ન બંધાતું હોય, તે માતાજીની જાતરની બાધા રાખે. પરિણામે તેના ઘેર દીકરાનો જન્મ થાય. તેની ગરબાની બાધાઓ પણ હોય અને જાતર રમાડવાની બાધા પણ હોય. અહીંના નાયકો (તરગારાઓ) આ માતાજીની જાતર રમતા હોય છે. તેમને ઘેર બોલાવી રાત્રે જાતર રમાડવામાં આવે છે. તેને ગામલોકો વધાવે છે. જાતરમાં માતાજીનો ખેલ ભજવવામાં આવે છે.

ચૌલક્રિયા – બાબરીઃ-
જે ઘેર દીકરો જન્મે તેની બાબરી ઉતારવાની ક્રિયા ચૌલ ક્રિયા કે બાબરી ઉતરાવવી કહેવાય છે. આ ક્રિયા મા ઉમિયાના સ્થાનકે પણ થાય છે. ઉપરાંત આ ક્રિયા સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં બહુચરાજી માતાજીએ થાય છે. બીજા કોઇ દેવી – દેવતાઓની બાધાથી દીકરો અવતર્યો હોય, તો તેમની ક્રિયા જે તે સ્થાનકે પણ થાય છે. આ ક્રિયા માટે પણ સગા વ્હાલાંને ઘેર નોંતરી બાબરી ઉતરાવાય છે. બાબરીના ઉતારેલા વાળ ઝીલવાની ક્રિયા ફોઇ દ્વારા થાય છે.

ક્રબટુઃ-
દેવી શક્તિના આશીર્વાદ માટે તેના સ્થાનકે કે ગોત્રમાં ઘેર જે બાધા સ્વરૂપે પરંપરાથી કરવામાં આવે તેને કરબટુ કહે છે. માણસ ગમે ત્યાં રહેતો હોય તો પણ આ કરબટુ પુરુ કરવા તેને જે તે જગ્યાએ જઇ પ્રસંગ કરવો પડે. આ કરબટુ કહેવાય છે.

આ રીતે ગ્રામ્ય સંસ્કૃતિ સાથે વણાયેલા ઉપરના સર્વ પ્રસંગો જીવનના ભાગ સમાન હોય છે. એકધારા જીવન પ્રવાહમાં નવો ઉત્સાહ - ઉમંગ અને ચેતના લાવવા ધર્મ સાથે સર્વ વણી લેવામાં આવ્યું છે.

ઊંઝાનું સ્થાન - પરિશિષ્ટ – ૨

 
Top ⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters