માતાજીમાં ઉજવાતા ઉત્સવો-
બેસતું વર્ષઃ-
દર કારતક સુદ 1 ના દિવસે વહેલી સવારથી લોકો માતાજીનાં દર્શને પધારે છે અને દર્શન કરી નવા વર્ષની શરૂઆતે કરે છે. જો કે કારતક સુદ ૫-લાભપાંચમ સુધી યાત્રીઓનો મહેરામણ દર્શને ઉમટે છે.

અન્નકુટ-
માગસર સુદ ૮ ના રોજ ઇ.સ.૧૯૭૬ માં ઉજવાયેલ ૧૮ મી શતાબ્દી મહોત્સવની યાદગીરીમાં અન્નકુટ ભરાય છે. માતાજીને તે દિવસે છપ્પન ભોગ ધરાવાય છે.

વસંતપંચમી-
મહા સુદ ૫ના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવાય છે. મોટો મેળો ભરાય છે. યાત્રીઓ દુર દુરથી દર્શને આવે છે. આખો દિવસ ભારે ભીડ રહે છે. આ દિવસ પરગણા પાંચમ તરીકે પણ ઓળખાય છે. આ દિવસથી વસંતના આગમનને લીધે માતાજીને કેસુડાના ફુલના લાલ રંગથી રંગેલી બોર્ડરવાળી સફેદ સાડી જેને વસનીયુ્‍ કહેવાય છે- તે પહેરાવવામાં આવે છે. આ સાડી મહા સુદ ૫ થી ફાગણ સુદ ૫ (રંગપંચમી) સુધી પહેરાવવામાં આવે છે, તે દિવસે ખેડુતો અણુંજો પાળે છે, એટલે કે ખેતીનું તમામ કામકાજ બંધ રાખે છે.

વૈશાખી પૂર્ણિમા-
આ દિવસે મા ઉમિયાની શોભાયાત્રા ઊંઝા નગરમાં ફરે છે. આ દિવસે ઊંઝામાં રજા રહે છે. આબાલવૃધ્ધ સર્વ આ નગરયાત્રામાં જોડાય છે. મા ઉમિયાને ચાંદીના રથમાં આખા નગરમાં વાજતે ગાજતે, ધામધુમથી ફેરવવામાં આવે છે. તેમાં ભાગ લેવા જુદી જુદી ઉછામણીઓ થાય છે. શોભાયાત્રામાં જુદી જુદી ઝાંખીઓ પણ હોય છે.

નવરાત્રી મહોત્સવ-
મા ઉમિયાના ચાચર ચોકમાં નવે દિવસ જુદી જુદી રાસ-ગરબા મંડળીઓ દ્વારા ગરબાનું આયોજન થાય છે. આસો સુદ 1 થી નોમ સુધી ઘટ સ્થાપન થાય છે. ઉપવાસ, અનુષ્ઠાન થાય છે. માતાજીની ષોડષોપચાર પૂજા થાય છે. રોજ ચંડીપાઠ થાય છે. નોમના દિવસે માતાજીની પલ્લી ભરાય છે. નવ દિવસ ભવ્ય રોશનીનું આયોજન થાય છે. સુદ ૮ ના રોજ નવચંડી હવન થાય છે.

ઉત્સવો પ્રસંગે માતાજીનો વિશેષ શણગાર થાય છે. ફુલોની આંગી થાય છે અને ષોડષોપચાર પૂજા થાય છે.

આસો સુદ ૧૫ શરદપૂર્ણિમાની રાત્રે માતાજીને દૂધ-પૌંઆનો ભોગ ધરાવાય છે.

આસો વદ ૧૩ ધનતેરશે એક દિવસ માતાજી કમળ ઉપર બિરાજે છે. તે લક્ષ્મી સ્વરૂપે દર્શન આપે છે.

આસો સુદ ૧૪ કાળી ચૌદશે મા ચંડી- કાલી સ્વરૂપે સિંહના વાહન પર બિરાજે છે. તેમના કેશ તે દિવસે છુટા રાખવામાં આવે છે. આ દિવસે તાંત્રિકો- સાધકો- ઉપાસકોના રાત્રે પૂજન માટે માની શયન આરતી કરવામાં આવતી નથી. આ જ રીતે શિવરાત્રીએ કે જન્માષ્ટમી જેવા ઉત્સવો વખતે પણ રાત્રી પૂજાનો મહિમા હોવાથી શયન આરતી થતી નથી. પૂનમ કે ઉત્સવના દિવસે માતાજીની નંદી પર સવારી હોય છે.

માતાજીની સાત દિવસની સાત સવારી-
મા ઉમિયા આઘશક્તિ જગતજનની છે. તે ભગવાન શિવનાં અર્ધાંગીની છે. મા સૌમ્ય મૂર્તિ છે. ભગવાન શિવના- ક્રોધને તેઓ જ શાંત કરી શકે છે. તેઓ શક્તિ સંપ્રદાયમાં અન્નપૂર્ણા સ્વરૂપે પૂજાય છે. મા ઉમિયા જગત જનની છે. આથી તેમની રોજ રોજ જુદા જુદા સ્વરૂપે પૂજા થાય છે અને દરરોજ જુદા જુદા વાહનો પર બિરાજે છે.

સોમવાર - નંદીની સવારી – મા ઉમા પાર્વતી સ્વરૂપે
મંગળવાર - મયુરની સવારી – મા સરસ્વી સ્વરૂપે
બુધવાર - સિંહની સવારી - મા ચંડી દુર્ગા સ્વરૂપે
ગુરુવાર - ગજરાજની સવારી- મા લક્ષ્મીજી સ્વરૂપે
શુક્રવાર - કુકડાની સવારી – મા બાલા ત્રિપુરા સુંદરી બહુચરાજી સ્વરૂપે
શનિવાર - ઐરાવત હાથીની સવારી – મા વૈભવ લક્ષ્મી – એન્દ્રી સ્વરૂપે
રવિવાર - વાઘની સવારી – મા અંબિકા સ્વરૂપે
યજ્ઞયાગ-
માતાજીમાં દરરોજ બે હવન થાય છે. બંન્ને હવનની બારે માસની તિથિઓની નોંધ થઇ ગઇ છે. જે તે તિથિએ હવનમાં નોંધાયેલ યજમાનને જાણ કરવામાં આવે છે - જે હવનવિધિમાં બેસે છે. માતાજીમાં ઇચ્છા અનુસાર હવન કરવાની વ્યવસ્થા પણ થાય છે.

સદાવ્રત પ્રવૃત્તિ-
માતાજીમાં દરરોજ બપોરે ૧૨-૦૦ વાગે માતાજીને ભોગ ધરાવ્યા બાદ સદાવ્રતમાં અભ્યાગતોને જમાડવામાં આવે છે. સદાવ્રત માટે રૂ.૧૦૦૦/- ભરી તિથિ નોંધ કરાવી શકાય છે.

૧૮ મી શતાબ્દી મહોત્સવ-
રાજા વ્રજપાલજીએ સંવત ૨૧૨ ઇ.સ.૧૫૬ માં મા ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બાંધ્યું, તે પ્રસંગને આજે અઢાર સદી વીતી ગઇ. શાસ્ત્ર અનુસાર કોઇપણ મૂર્તિની સ્થાપના બાદ સમયે સમયે કે એક સો વર્ષ પૂરા થાય ત્યારે તેમાં નવીન ચૈતન્ય પ્રગટ થાય તે માટે તે મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઇએ. આ શાસ્ત્રોક્ત પ્રમાણના આધારે મા ઉમિયાની મૂર્તિમાં પણ પુનઃ ચૈતન્ય પ્રગટ થાય- તેથી તેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા મહોત્સવ ઉજવવાનું વિચારાયું, પરિણામે મા ઉમિયાધામ ઊંઝામાં તા.૨૩-૧૧-૧૯૭૬ થી તા.૨૯-૧૧-૧૯૭૬ સુધી ૧૮ મી શતાબ્દી મહોત્સવ ઉજવાયો.

આ મહોત્સવ અભૂતપૂર્વ રીતે ઉજવાયો. ૧૮ થી ૨૦ લાખ દર્શનાર્થીઓ ઉમટી પડયા. કડવા પાટીદાર સમાજનો દર્શન મેળો જામ્યો. ઊંઝામાં સર્વ કોમના લોકોએ આ મહોત્સવ પાર પાડવા રાત-દિવસ જોયા વગર મહેનત કરી મહોત્સવને સફળ બનાવ્યો. મહોત્સવના તમામ આયોજનો ઓછાં પડયાં. માનવ મહેરામણ ઉમટયો. સર્વએ આ મહોત્સવને તન-મન- ધનથી માણ્યો. આમ છતાં માની કૃપાથી મહોત્સવ કોઇને કોઇપણ જાતની તકલીફ વગર સફળતાથી પૂર્ણ થયો. મહોત્સવના પાંચ દિવસ દરમિયાન ઊંઝામાં કોઇ ગમખ્વાર બનાવ કે મૃત્યુનો બનાવ ન બન્યો. સર્વ મા મય બની ગયા હતા. ઊંઝાના ઇતિહાસનો આ અભૂતપૂર્વ ઐતિહાસિક પ્રસંગ હતો.

આ મહોત્સવના યજ્ઞના મુખ્ય આચાર્ય નડિયાદના વિદ્વાન પંડિત અગ્નિહોત્રી શ્રી શુકદેવજી મહારાજ હતા. મુખ્ય યજમાન સ્વ. પટેલ સોમાભાઇ શંકરદાસ મોલ્લોત હતા. તથા ધ્વજારોહણ કરનાર સ્વ. પટેલ બાલચંદદાસ ઉમેદદાસ હતા. આ મહોત્સવના આયોજન અને કાર્યવાહીની સર્વએ મુક્તકંઠે પ્રશંસા કરી. રેલ્વે, એસ.ટી., સરકારી કચેરીઓ, પોલીસ ખાતુ, આરોગ્ય ખાતુ, તેમજ પત્રકારો અને માહિતી - પ્રસારણ ખાતાએ પૂર્ણ સહકાર આપી મહોત્સવને સફળ બનાવ્યો. એમ કહી શકાય કે મા ઉમિયાની દિવ્ય અને અગોચર શક્તિએ શક્તિનો મહોત્સવ પાર પાડયો.

આ કામ શરૂ થતાં માતાજી ટ્રસ્ટ પાસે માત્ર છ લાખની સિલક હતી. કઇ રીતે કાર્ય પુરુ થશે તેની ચિંતા હતી. ત્યારે લોક મહેરામણે માતાજી આગળ બાવન લાખ રૂપિયા અર્પી દીધા, જેમાંથી આઠેક લાખનો ખર્ચ જતાં ચુવાલીસ લાખ રૂપિયાની બચત થઇ.

 
Top ⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters