મહોત્સવ પછીનું માતાજી સંસ્થાન-
૧૮ મી શતાબ્દી મહોત્સવ ઉજવાયો અને કડવા પાટીદાર સમાજ એક બન્યો. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ સમગ્ર કડવા પાટીદાર સમાજનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું. સમાજની નજર મા ઉમિયાની ધજા તરફ રહેવા લાગી. માતાજી સંસ્થાનના કાર્યકર્તાઓએ ધાર્મિકતા સાથે સમાજની કાળજી લેવાની પોતાની ફરજ માની, જેથી સમાજના વિકાસ માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ વિચારવા લાગી.
સૌ પ્રથમ ૧૮ મી શતાબ્દી મહોત્સવથી એકત્ર થયેલ રાશીનો ઉપયોગ યાત્રી સુવિધા કરવા માટે વિચારાયું. યાત્રિકો માટે ઇ.સ.૧૯૭૭-૭૮ માં આધુનિક સુવિધાયુક્ત પથિકાશ્રમ અને ભોજનાલય માતાજી પરિસરમાં બનાવવામાં આવ્યું. તેનું ખાતમુહૂર્ત તા.૧૭-૫-૭૮ ના રોજ શેઠશ્રી હરિપ્રસાદ દુર્ગાપ્રસાદ લશ્કરીના હાથે થયું. પથિકાશ્રમમાં ૩૬ રૂમો, ૩ સ્ટોરરૂમ, એક સભાહોલ, અને પાંચ મોટા હોલ તૈયાર કરવામાં આવ્યા. ભોજનાલયમાં એકી સાથે ૪૦૦ યાત્રીઓ જમી શકે, તેવી વ્યવસ્થા કરવામાં આવી. ભોજન ગેસના ચુલાથી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી. સાથે સાથે મંદિરમાં ચાંદીની જાળી, ચાંદીનો ગોલખ અને ચાંદીનો કઠેડો બનાવવામાં આવ્યો. ચાંદીના દરવાજા ૩૬૮ કિલો ચાંદીથી બનાવવામાં આવ્યા.
ટાવરની બાજુમાં ૧૭ લાખના ખર્ચે ભવ્ય ઓફિસ બનાવવામાં આવી. તેના ઉપરના ભાગે યાત્રીઓના ઉતારા માટે ૧૨ રૂમો બનાવી અને એક સભા હોલ બન્યો. મતાજીના દક્ષિણ ભાગે એક સત્સંગહોલ પણ બનાવવામાં આવ્યો. દાનમાં આપેલ જમીનના બદલામાં સત્સંગ હોલ પર પટેલ તળશીદાસ જોરદાસ રૂસાતનું નામ જોડવામાં આવ્યું.
ઉપરાંત માનસરોવર ઉપર યાત્રીઓ માટે બીજા ૩૦ રૂમો બાંધવામાં આવ્યા. જેમાં ત્રણ એ.સી. રૂમોની સગવડ કરવામાં આવી.
આ સિવાય અંબાજી, બહુચરાજી અને સોલા - અમદાવાદ પથિકાશ્રમો બાંધવામાં આવ્યા.
|