શ્રી ઉમિયા માતાજી સમાજ કલ્યાણી દેવી રૂપે
પ્રવૃતિઓમા કરેલ સહાય

કડવા પાટીદાર સમાજ શ્રમ, પ્રમાણિકતા અને સાદગીથી આજે સામાન્ય ખેત-મજુરની પરિસ્થિતિથી અસામાન્ય શ્રેષ્ઠીની પદવીએ પહોંચ્યો છે. ગાડાની સંસ્કૃતિમાંથી રોકેટની સંસ્કૃતિએ પહોંચ્યો છે. મા ઉમિયાના આશીર્વાદથી આ બન્યું છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના કાર્યકર્તાઓએ માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહી પણ સમાજનો પાછળ રહેલો વર્ગ પણ મા ઉમિયાના સંતાનો જ છે, તેમને પણ સાથે લઇ ચાલવા માટે મહોત્સવ પછી આ સંસ્થાના બંધારણમાં સુધારો કરી સમાજ વિકાસની પ્રવૃત્તિઓ કરવાના હેતુનો પણ ઉમેરો કર્યો. સમાજને સમગ્ર રીતે સહાયરૂપ થવા માટેની નીચે મુજબની જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી.

કાયમી લગ્નોત્સવ યોજના -
કડવા પાટીદાર સમાજ જુના વખતમાં દર ૧૦-૧૨ વર્ષે બંધુકા વિવાહ કરતો હતો. માતાજીમાંથી આખા સમાજ માટે એક જ દિવસે લગ્નનું મુહૂર્ત નીકળે અને તે મુજબ લગ્નો થાય. જેમાં વિશેષ કરીને બાળલગ્નો થતાં હતાં. તે પ્રથાનું નવું સ્વરૂપ સમુહ લગ્નોમાં પરિણમ્યું. માતાજીમાં લગ્નો માટે વર્ષમાં ૮/૧૦ મુહૂર્ત નક્કી કરવામાં આવે છે અને તે મુજબ માતાજીમાં લગ્ન થાય છે. વર કન્યા બંન્ને પક્ષો તરફથી દરેકના રૂ.૧૫૦૦/- લેવામાં આવે છે. પોતાની ઇચ્છિત તિથિએ લગ્ન કરનારને બંન્ને પક્ષ તરફથી દરેકના રૂપિયા ૩૦૦૦/- લઇ લગ્ન કરી આપવામાં આવે છે. તે સિવાય રૂ.૫૦૦/- ભરી સાદાઇથી લગ્ન થઇ શકે છે. રૂ.૧૦૦/- ભરી ફુલ-હારથી લગ્ન થઇ શકે છે. લગ્ન માટે સર્વ જરુરી સામગ્રી, બાહ્મણ, ચોરી વગેરે માતાજી તરફથી પુરી પાડવામાં આવે છે. કન્યાને પાનેતર પણ આશીર્વાદ રૂપે આપવામાં આવે છે.

આ ઉપરાંત સમાજનાં જ્યાં જ્યાં સમુહ લગ્નો થાય છે, ત્યાં ત્યાં કન્યાને પાનેતર, કંકુ પડો અને માતાજીનો ફોટો આપવામાં આવે છે.

વિધવા – ત્યકતા બહેનોના બાળકોને વિઘાભ્યાસ માટે આર્થિક સહાય -
કડવા પાટીદાર સમાજની વિધવા-ત્યકતા બહેનોના બાળકો જેઓ આર્થિક રીતે પાછળ હોય તેમને ધોરણ - ૧૨ થી આગળ ભણનારને દર વર્ષ રૂ.૨૦૦૦/- સુધીની મદદ અપાય છે.

છાત્રાલયોને મદદ -
આ સમાજમાં કન્યા- કુમાર માટે છાત્રાલય બંધાય, તેમને રૂપિયા પાંચ લાખની મદદ અપાય છે. શરુમાં કન્યા છાત્રાલયોને જ મદદ અપાતી, હવે કન્યા કુમાર બંન્ને છાત્રાલયોને અપાય છે.

રોગ નિદાન કેમ્પને મદદ -
આ સમાજની કોઇપણ સંસ્થા રોગ નિદાન કેમ્પનું આયોજન કરે તેમને રૂ.૧૦,૦૦૦/- ની મદદ અપાય છે.

વિધવા – ત્યકતા બહેનોની દિકરીઓના લગ્ન માટે આર્થિક સહાય -
આ સમાજની વિધવા ત્યકતા બહેનોની આર્થિક ક્ષમતા ન હોય – તેમની દિકરીઓનાં લગ્ન કરી અપાય છે. સમૂહ લગ્નમાં જોડાય તો ખર્ચની રકમ સંસ્થાન તરફથી આપવામાં આવે છે.

કડવા પાટીદાર સમાજના પથિકાશ્રમોને મદદ -
નક્કી કરેલા શહેરી વિસ્તારમાં પથિકાશ્રમ બાંધવામાં આવે તો તેમને રૂપિયા પાંચ લાખની મદદ અપાય છે.

તેજસ્વી વિધાર્થીઓને ઉમિયા ચંદ્રક -
આ સમાજના ધોરણ ૧૦-૧૨ના બોર્ડમાં કે યુનિવર્સીટીમાં પ્રથમ આવનારને કે યુ.પી.એસ.સી.માં પાસ થનારને કે આંતરરાષ્ટ્રીય રમત-ગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં એકથી ત્રણ નંબરે આવનારને દર પાંચ વર્ષે ઉમિયા ચંદ્રક અપાય છે.

વિશિષ્ટ પ્રતિભાવંતોને બહુમાન -
કેઇપણ ક્ષેત્રમાં આ સમાજના સભ્ય ખાસ પ્રતિભા ધરાવતા હોય તેમને સંસ્થા તરફથી સન્માનવામાં આવે છે.

ગૃહિણી તાલીમ શિબિરો કે કુમાર શિબિરોને સહાય -
આ સમાજની કોઇપણ સંસ્થા ગૃહિણી તાલીમ શિબિર કે કુમાર શિબિર યોજે તેને રૂ.૧૫,૦૦૦/- ની સહાય અપાય છે.

જરૂરતમંદ બહેનોને આર્થિક સહાય -
આ સમાજની આર્થિક પછાત અને ગરીબ તેમજ વિધવા- ત્યક્તા બહેનોને દર માસે પેન્સન રૂપે આર્થિક સહાય અપાય છે.

અપંગ કે અસાધ્યરોગીઓને સહાય -
સમાજની કોઇ કમાનાર વ્યક્તિ આકસ્મિક અપંગ બને કે અસાધ્ય રોગમાં પટકાય તેને દર ત્રણ માસે આર્થિક સહાય અપાય છે.

ખેતી આધારિત મોભીનું અકસ્માત મૃત્યુ સમયે સહાય -
આ સમાજના કોઇપણ ખેતી આધારિત મોભીનું અકસ્માતે અવસાન થાય તો તેને તાત્કાલિક રૂ.૨૧,૦૦૦/- ની સહાય અપાય છે.

મંદ બુધ્ધિ કે પરાધિન વ્યક્તિઓને સહાય -
આ સમાજના જે કુટુંબમાં કુદરતી રીતે મંદબુધ્ધિવાળી કે પરાધિન વ્યક્તિ હોય અને તેની સાર સંભાળ રાખવાની તકલીફ હોય તેમને દર છ માસે આર્થિક સહાય અપાય છે.

કુદરતી હોનારત પ્રસંગે સહાય -
આ સમાજનું કોઇપણ કુટુંબ આગ, પૂર, વાવઝોડુ કે એવી કોઇ કાબુ બહારની કુદરતી હોનારતનો ભાગ બને તો આ સંસ્થા તેને તાત્કાલિક મદદ કરે છે.

વિકલાંગ વ્યક્તિઓને બાઇસિકલ -
આ સમાજની કોઇ વ્યક્તિ અપંગ કે વિકલાંગ હોય તેને સરકાર માન્ય ર્ડાક્ટરના ૬૦ ટકા અપંગતાના સર્ટીફીકેટ સાથે અરજી કરવાથી બાઇસિકલ આપવામાં આવે છે.

અસાધ્ય રોગ સારવાર સહાય -
આ સમાજનો કોઇ સભ્ય જે આર્થિક રીતે સક્ષમ ન હોય અને કેન્સર, હૃદય વાલ્વ બદલવાની તકલીફ, કીડની બદલવાની તકલીફ કે બાય-પાસ સર્જરી જેવા અસાધ્ય રોગથી પીડાતો હોય તેને આર્થિક સહાય કરવામાં આવે છે.

કાયમી સમાધાન પંચ -
આ સમાજના સામાજિક વિખવાદો જેવા કે લગ્ન વિચ્છેદ, મિલ્કતોના ઝધડા, સામાજિક ઝઘડાના ઉકેલ માટે ઊંઝા સીવીલ કોર્ટના નિયંત્રણ હેઠળ કાયમી સમાધાન પંચ ચાલે છે, જે સમાજને ખુબ જ ઉપયોગી બને છે.

આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર -
સરકારમાં સનદી અધિકારીઓની કેડરમાં દાખલ થવા આઇ.એ.એસ. ની પરીક્ષા યુ.પી.એસ.સી. દ્વારા લેવાય છે. તેનું આ સંસ્થા તરફથી સોલા કેમ્પસ અમદાવાદ ખાતે ટ્રેઇનીંગ સેન્ટર ચાલે છે.

ઉચ્ચ શિક્ષણ સહાય -
આ સમાજના તેજસ્વી વિધાર્થીઓ કે જેઓ આર્થિક મુશ્કેલીને લીધે ભણી શકતા ન હોય, તેવાઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભણી શકે તે માટે આ સંસ્થાએ ઉચ્ચ શિક્ષણ સહાયનિધિ બનાવ્યો છે. જે સમાજના સુખી સભ્યો જેઓ રૂ.૨૫,૦૦૦/- આપી આ નિધિના સભ્ય બની આ કાર્યને મદદરૂપ થાય છે. આ નિધિમાંથી આ સમાજનો વિધાર્થી જેના પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી ઓછી હોય, તેને દર વર્ષે ભણે ત્યાં સુધી વગર વ્યાજની લોન અપાય છે. જે વિધાર્થીના ભણી રહ્યા બાદ વગર વ્યાજે પરત કરવાની રહે છે.

મંત્રલેખન પ્રવૃત્તિ -
મા ઉમિયાનો ભક્તિભાવ વધે તે માટે અત્રેથી શ્રી ઉમિયા શરણં મમ મંત્ર લેખનની બુક આપવામાં આવે છે. તે મંત્ર લેખન પુરુ થયે પરત કરવાની હોય છે. આ લેખનથી મા લખનારની મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે.

આ રીતે આ સંસ્થા સમાજ ઉપયોગી, વિકાસ માટેની જુદી જુદી પ્રવૃત્તિઓ ચલાવે છે. આમ મા ઉમિયા સમાજ કલ્યાણી દેવી સ્વરૂપે પ્રગટ થયા છે.

શ્રી ઉમિયા પરિવાર ઉત્કર્ષ નિધિ -
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- ઊંઝાના કાર્યકરોએ ઉચ્ચશિક્ષણ સહાય નિધિનો રૂપિયા અઢી કરોડનો લક્ષાંક પૂર્ણ થતાં સમાજમાં પણ જરૂરતમંદોને મદદરૂપ થઇ શકાય તેવા શુભ હેતુથી આ સમાજના વિકાસના કામો માટે રૂ.૧૦૦ કરોડનો શ્રી ઉમિયા પરિવાર ઉત્કર્ષ નિધિનો સંકલ્ય લેવામાં આવ્યો છે. જોકે હજુસુધી આ સંકલ્પ પૂર્ણ થયો નથી.

Top ⇑
હોમ | ટ્રસ્ટ વિશે | સવલતો | ઉત્સવો | દાન (ડોનેશન) | ઓનલાઈન દર્શન
કઈ રીતે પહોંચશો? | વિડીયો ગેલેરી | ફોટો ગેલેરી | ડાઉનલોડ | સાઈટ મેપ | સંપર્ક માહિતી

Copyright © 2009 Kadva Patidar Kuldevi Shri Umiya Mataji Sansthan. All Right Reserved
Site Designed By : Adit Microsys
hit counters